SuratDarpan ગુજરાત સુરત

સુરતમાં 17 લાખથી વધુ લોકોના નિદાન, તપાસ અને સારવાર કરવામાં આવી

સુરત : કોરોનાના વ્યાપને રોકવા રાજ્ય સરકારે શરૂ કરેલી ધન્વંતરિ રથ આરોગ્ય સેવા અન્ય દેશ-રાજ્યો માટે પણ પ્રેરણાદાયી બની ચૂકી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ ગુજરાતની ધન્વંતરિ રથ આરોગ્ય સેવાની પ્રશંસા કરી હતી. મોબાઈલ ટીમમાં તૈનાત ડોકટર અને તેમની ટીમ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરઆંગણે જઇને વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કરીને દવાનુ વિતરણ કરવાની સાથોસાથ રેપિડ એન્ટીજેન ટેસ્ટ પણ કરે છે. ધન્વંતરિ રથના તબીબ પાસેથી કોરોનાથી બચવાનું માર્ગદર્શન પણ લોકો મેળવી રહ્યા છે.સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં ધન્વંતરિ રથ આરોગ્ય સેવાને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. ખાસ ફરજ પરના અધિકારી એસ.કે. લાંગાને ધન્વંતરિ રથની જવાબદારી સોંપવામાં આવી છે.
  એક સમયે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધુ હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સમયસરના પગલાઓ, સતત મોનિટરીંગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધન્વંતરિ રથોની જન આરોગ્ય સેવા દ્વારા વધુને વધુ લોકોને સમયસરની સારવાર મળી, જેના પરિણામે આજે કોરોના સંક્રમણને અટકાવી શકાયું છે. મહામારીને નાથવામાં ધન્વંતરિ રથનો સિંહફાળો રહયો છે. તેમાં તબકકાવાર વધારો કરીને 121 ધન્વંતરિ રથ પ્રજા આરોગ્ય સેવારત કરવામાં આવ્યા, જેના થકી કુલ 12,955 તાવના કેસો, 43623 હાયપર ટેન્શન અને 41480 ડાયાબિટીસના તથા એ.આર.આઇ.ના 38619 દર્દીઓ, જ્યારે અન્ય નાની-મોટી બિમારી ધરાવતાં 16,26,660 દર્દીઓને  સ્થળ પર જ સારવાર આપવામાં આવી.
  કોરોના સામે શહેરીજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓ પણ રથ દ્વારા આપવામાં આવે છે. તા.8મી જુલાઈથી અત્યાર સુધી 24,40,919 લોકોને આરોગ્યવર્ધક ઉકાળાનું સેવન કરાવવામાં આવ્યું છે. દરરોજ સરેરાશ 53063 લોકોને લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. રોગ પ્રતિકારશક્તિ વર્ધક આર્સેનિક આલ્બ સહિતની હોમિયોપેથી દવાનું 68 દિવસમાં 14,50,452 લોકોને, આયુર્વેદિક દવા- સંશમની વટી 46 દિવસમાં 19,85,060 વ્યક્તિઓને જિલ્લા આયુર્વેદ અધિકારીના સંકલન દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. જેમને યોગ્ય સારવાર આપવામાં આવી છે. વધુ સારવારની જરૂરિયાત હોય તેવા 576 દર્દીઓને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે. શહેરમાં પ્રત્યેક ધન્વંતરિ રથના તબીબી સ્ટાફ દ્વારા સરેરાશ 231 લોકોનું નિદાન અને સારવાર કરવામાં આવી રહી છે.ધન્વંતરિ રથ દ્વારા આજ સુધી એ.આર.આઈ.- એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેકશન એટલે કે શરદી, ઉધરસ, ઝીણો તાવ, શારીરિક નબળાઈ, કફ, ગાળામાં સોજો જેવા 38619 કેસો મળી આવ્યાં છે, જેમને દવા અને સારવાર આપવામાં આવી છે. જરૂર જણાય એવા કેસોમાં કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. 18 જુલાઇ-20 થી અત્યાર સુધી 106976 રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
  ખાસ ફરજ પરના અધિકારી એસ.કે.લાંગાના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના લક્ષણો ધરાવતા વ્યક્તિને સરળતાથી શોધી સમયસર સારવાર આપવાના કારણે સંક્રમણને આગળ વધતું અટકાવવામાં શહેરી આરોગ્ય તંત્રને સફળતા મળી છે. આરોગ્ય સેતુ એપ્લીકેશન દ્વારા હોટસ્પોટની માહિતી મેળવી, તેમજ એક્ટિવ કેસ અને સંવેદનશીલ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં વધુ ધન્વંતરિ રથ મોકલી પ્રાથમિકતા આપવામાં આવી છે.આમ, શહેરમાં કોરોનાને નિયંત્રણમાં લાવવાં માટે ધન્વંતરિ રથ સેવા કોરોના મહામારીના સંક્રમણને ખાળવા સાથે જનજનને આરોગ્ય સુખાકારીમાં આશિર્વાદરૂપ રહી છે.

Related posts

દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા એન્જિનિયરોને સલામ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Surat Darpan

‘No Time to Die’ trailer shot may have given a glimpse of the upcoming Nokia 8.2 5G smartphone

cradmin

સુરતમાં ખાડી પૂર ઓસરવા લાગ્યા : મનપાનું યુદ્ધના ધોરણે સફાઈકામ

Surat Darpan

Leave a Comment