સુરત : દીપોત્સવીના તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થવાની તજજ્ઞોએ આશંકા દર્શાવી હતી અને તે સમગ્ર ગુજરાતમાં હાલ સાચી પડી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા,રાજકોટ જેવા શહેરોમાં લોકોએ દિવાળીના તહેવારો દરમ્યાન દાખવેલી બેદરકારીનું પરિણામ હવે સામે આવી રહ્યું છે. આ શહેરો સહિત સમગ્ર રાજ્યમાં લગભગ દરેક નાનાંમોટાં શહેરો અને નગરોમાં કોરોના ના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં દિવાળી બાદ છેલ્લા 5 દિવસમાં અધધ કહી શકાય તેમ 953 કોરોનાના કેસ નોંધાયા છે જે દર્શાવે છે કે આગામી દિવસોમાં સુરત શહેરમાં સ્થિતિ વણસી શકે છે જ્યાં સુધી આ મહામારીને નાથવા રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી માસ્ક જ તેને રોકવા માટેનો સર્વોત્તમ ઈલાજ છે ત્યારે લોકોએ માસ્ક પહેરવો જ જોઈએ. જો નહીં પહેરે તો દંડનીય કાર્યવાહી કરવમાં આવશે.
મનપા કમિશનરે જણાવ્યું હતું કે સુરતમાં કોરોના સ્ટેબલ છે. બહારથી આવતા અને પ્રવાસ કરી પરત ફરતા લોકોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે શહેર મનપા દ્વારા વિવિધ ઝોનમાં ટીમો બનાવવામાં આવી છે આ ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરનારા સામે આકરી કાર્યવાહી કરશે.જોકે, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં સુરત શહેર-જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં થઇ રહેલો વધારો આગામી દિવસોમા સ્થિતિ બગડે તેવા અણસારો આપી રહ્યું છે ત્યારે હવે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું