સુરત : સુરત સિવિલ હોસ્પિટલે કોરોનાની સમયસર અને ઉત્તમ સારવાર આપી 10 વર્ષથી ડાયાબિટીસથી પીડિત હનીપાર્ક રોડ, અડાજણ વિસ્તારના 57 વર્ષીય રાજેશભાઈને કોરોનામુક્ત કરી સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવારની પ્રતિતી કરાવી છે. તેમની સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં વધુ થાય તેમ હતું. સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતાં દલાલ પરિવારની વ્હારે નવી સિવિલ આરોગ્યતંત્ર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દલાલ પરિવારના તમામ પાંચ સભ્યો કોરોનાગ્રસ્ત થયાં હતા, જેમાં રાજેશભાઈએ નવી સિવિલ અને અન્ય સભ્યો હોમ ક્વોરન્ટાઈન થઈને સ્વસ્થ થયા હતા.
રાજ્ય સરકાર અને સુરત સિવિલ તંત્રનો આભાર વ્યકત કરતાં રાજેશભાઈના બહેન અમીબેન જણાવે છે કે, રાજેશભાઈને છેલ્લા દસેક વર્ષથી ડાયાબિટીસ છે. તેનું સુગર લેવલ ઘટીને 40 સુધી આવ્યું હોવાથી સુધબુધ ભૂલી ગયા હતા. જેથી સુરતની સિવિલ હોસ્પિટલમાં તા.15 નવેમ્બરના રોજ ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે દાખલ કર્યા. પહેલા ત્રણ દિવસ આઈસીયુમાં બાયપેપ પર રાખ્યા, ત્યાર બાદ 2 દિવસ જનરલ વોર્ડમાં શિફ્ટ થઈ ઓક્સિજન પર રાખવામાં આવ્યા. લોકડાઉનના લીધે વ્યવસાય પર અસર થતા અમારી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં રૂ. 70 હજારનો ખર્ચ કહેતા આવા વિકટ સમયે સારવાર કરાવવી કે ન કરાવવી તેવી સ્થિતિ ઉભી થઈ હતી, ત્યારે યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જિજ્ઞેશભાઈ પાટીલનો સંપર્ક કર્યો, તેમના માર્ગદર્શનથી નર્સિંગ એસો.ના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાનો સંપર્ક કરાવી તેમને સિવિલમાં દાખલ કરી, જ્યાં તાત્કાલિક સારવાર શરૂ થઈ હતી. રાજેશભાઈ ચૌટાબજારમાં રેડીમેડ કપડાની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરે છે. આરોગ્ય તંત્રનો આભાર વ્યકત કરતાં તેઓ કહે છે કે, સિવિલ હોસ્પિટલના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અમારા પરિવાર માટે ઈશ્વરીય ભૂમિકા નિભાવી છે. અમે સિવિલના ઋણી રહીશું. જિજ્ઞેશભાઈ અને ઇકબાલભાઈ કડીવાલાના સહકારથી મને ઉમદા સારવાર મળવા સાથે આર્થિક ભારણમાંથી મુક્તિ મળી છે. રાજેશભાઈની સારવારમાં સિવિલના ડો.અશ્વિન વસાવા, ડો.વિવેક ગર્ગ સહિત નર્સિંગ સ્ટાફ ટીમનું યોગદાન રહ્યું હતું