અમદાવાદ : સુરતના ડોક્ટર રાજેશ પ્રજાપતિ પોતાના માતા-પિતા સાથે સોમનાથ દર્શન કરીને ઘર તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે તાલાલા અને સાસણગીર ની વચ્ચે રસ્તા ઉપર એક એક વૃદ્ધ દંપત્તિ બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળ બેઠેલા માજીને પરસેવે રેબઝેબ થઈ ગયેલા જોયા અને તરત તેઓ બાઈક પરથી નીચે પટકાયા હતા અને ત્યાંજ બેભાન થઈ ગયા હતા, તેમના પતિ બેબાકળા થઈને પોતાની પત્નીને જગાડવાની કોશિષ કરી રહ્યા હતા ત્યારે ડોકટરે આ દ્રશ્ય જોતાની સાથે જ પોતાની ગાડી રસ્તામાં થોભાવીને તરત તે વૃદ્ધ દંપત્તિ પાસે પહોચી ગયા હતા અને હાર્ટબીટ ચેક કરતા ખબર પડી કે તેમનું હાર્ટ તો બંધ થઇ ગયું છે.
ડોકટરે સમય બગાડ્યા વગર તે માજીને રસ્તા ઉપર સુવાડીને CRR (કાર્ડિયો પલ્મેનરી રેસ્યુંકેશન) આપવાનું શરુ કર્યું, જે અંતર્ગત ડોકટરે પોતાના બંને હાથો વડે માજીને કાર્ડિયાક મસાજ આપવાનું શરુ કર્યું અને પોતાનો હાથ રૂમાલ માજીના મોઢા ઉપર મુકીને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપ્યા જેથી તે માજીનું ર્હદય 12 મીનીટમાં ફરી ધબકતું થઈ ગયું હતું, આમ ડોક્ટર રાજેશ પ્રજાપતિએ તે માજીનો જીવ બચાવી લીધો હતો. ડોકટરે ત્યાં એટલું કહ્યું કે જ્યારે કોઈ પણ વ્યક્તિને એટેક આવે ત્યારે એટલી બેઝીક લાઈફ સપોર્ટ સીસ્ટમ દ્વારા કોઈપણ પ્રકારના મેડીકલ સાધનો વગર પણ દર્દીનો જીવ બચાવી શકાય છે, આ રીત દરેક નાગરિકે શીખવી જોઈએ જેથી કરીને કેટલાય લોકોના જીવ બચાવી શકાય.