ઉધના ત્રણ રસ્તા પર આવેલી દેના બેંકમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી હતી.પાડોશીએ ફોન કરતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. આગમાં કાગળ સહિતની વસ્તુઓ સળગતા ઉંચે સુધી ધુમાડો ઉઠ્યો હતો. જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી પાડોશીઓએ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, બેંકના અમૂક કાગળો સળગી ગયાનું કહેવામાં આવી રહ્યું છે.
બેંકમાં સાફ સફાઈ દરમિયાન આગ લાગી
ચિરાગભાઈ (ફાયરબ્રિગેડને માહિતી આપનાર) એ જણાવ્યું હતું કે, ઘટના લગભગ સવારના સાડા નવ વાગ્યાની હતી. બેંકમાં સાફ સફાઈ ચાલી રહી હતી. અચાનક શોર્ટ સર્કિટને લઈ આગ લાગી ગઈ હતી. જેથી સફાઈ કર્મચારીઓ અને પટાવાળા દોડીને બહાર આવી ગયા હતા.
પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટનાની જાણ બાદ GEB અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. હાલ બેંકમાં માત્ર સ્ટાફ કર્મચારીઓને જ પ્રવેશ અપાઈ રહ્યો છે.જો કે કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.