મંગળવારે આંજણા સ્થિત આંબેડકરનગર વસાહતમાં ટી.પી રસ્તાને નડતરરૂપ 80થી વધુ ઝૂંપડાનું ડિમોલીશન કરીને પાલિકાએ અસરગ્રસ્તોને ભેસ્તાન ખાતે આવાસ ફાળવ્યા હતા. પરંતુ આ આવાસોમાં પાણી, ડ્રેનેજ, લાઇટની સુવિદ્યાના નામે મીડું છે. એટલું જ નહીં આવાસ જર્જરિત હાલતમાં હોઇ અને ગંદકીનું સામ્રાજ્ય હોયગરીબ અસરગ્રસ્તોની હાલત ખૂબ જ કફોડી બની છે. અસરગ્રસ્તોએ આરોપ મુક્યો છે, ખંડેર આવાસ કરતા તો પશુઓના તબેલા સારા છે. તાકીદે આવાસમાં રિપેરીંગ સાથે લાઇટ, ડ્રેનેજ, પાણીની સુવિદ્યા આપવાની માંગણી કરાઇ હતી. આ અંગે પાલિકા કમિશનરે સંબંધિત વિભાગના અધિકારીને જરૂરી સુવિદ્યા પુરી પાડવા આદેશ આપ્યા છે.
પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે, ભેસ્તાન ઉમ્મીદનગરના આ આવાસ 12 વર્ષ પહેલાં બન્યાં હતા. છેલ્લા 8 વર્ષથી અહીં કોઇ રહેતુ નથી. આવાસમાં લાઇટ, પાણી, ડ્રેનેજના ઠેકાણા નથી. બારી બારણા તૂટેલા છે. ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય છે.પાલિકા અધિકારીઓએ સ્થળ પર આવાસની હાલત જોયા વિના આવાસ ફાળવી ગરીબો સાથે ક્રૂર મજાક કરી છે.