શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી કરવા પોલીસ કમિશનરે અપીલ કરી છે. પોલીસ કમિશનરે શહેરીજનોને કહ્યું કે, હાલ કોરોના સંક્રમણની સ્થિતિ છે.છેલ્લા માર્ચ મહિનાથી દરેક તહેવાર ઘરમાં જ પરિવાર સાથે ઉજવાઈ રહ્યા છે
ત્યારે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી સંયમિત રીતે અને મર્યાદામાં કરવાની રહેશે. સાથે જ રાત્રિ કર્ફ્યૂ નવ વાગ્યાથી અમલમાં રહેશે. બીજી તરફ જાહેરમાં ઉજવણી કરનારા કે ટોળા ભેગા કરનારા અને થનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ કમિશનરે જણાવ્યું છે.
પોલીસ કમિશનરે કહ્યું કે, યુવાનો અને લોકો દ્વારા થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવે છે. જો કે, હાલની કોરોનાની સ્થિતિને જોતા આગામી સમયમાં આવતાં તહેવારોમાં અગાઉ જે રીતે સંયમ જાળવી રાખ્યો હતો તે રીતે જ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે.
થર્ટી ફર્સ્ટના દિવસે પણ રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવશે તેમ ઉમેરતા પોલીસ કમિશનરે કહ્યું હતું કે, પ્રતિબંધનો ભંગ કરીને પાર્ટી કે જાહેરમાં ટોળા ભેગા કરીને સંક્રમણ વધે તેવા કોઈ પણ પ્રયાસને સાંખી લેવાશે નહી અને કડક કાર્યવાહી કરવામાં આવશે.