સુરત : ગોડાદરા વિસ્તારમાં એક ટ્રેલરમાં આગ લાગાવવામાં આવતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ થતા જ ટ્રેલરનો ચાલક જીવ બચાવી ટ્રેલર રોડ બાજુએ ઉભું રાખી નીચે ઉતરી ભાગી ગયો હતો. ભર બપોરે ટ્રેલરના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા લોકોએ ટ્રેલરમાં આગ લગાડી હોવાનું બહાર આવ્યું હતું.
બર્નિગ ટ્રેલરને જોઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક આગની જાણ ફાયર ને કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલાં જ ફાયરના જવાનોએ બર્નિંગ ટ્રેલર પર પાણીનો મારો કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ જતા પોલીસ દોડી આવી હતી.
ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. આગની ઘટનાને લઈને મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડને વિખેરી હતી. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતક બાઈક ચાલકનું નામ વિક્રમ બુલ્હે હોવાનું જાણવા મળ્યું છે.