નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગયાં હતાં,યુવતીએ પ્રેમી સાથે હોટલમાં રાત્રિ રોકાણ કર્યું હતું
સુરત શહેરના પીપલોદ વિસ્તારની ઓયો હોટલના રૂમમાંથી બેભાન મળી આવેલી કતારગામની યુવતીને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવતી પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગઈ હતી. જોકે રાત્રે સૂતા બાદ સવારે નહીં ઊઠતાં પ્રેમીએ પ્રેમિકાના પરિવારને જાણ કરી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ યુવતીના મોતને લઈને રહસ્ય સર્જાયું છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે
કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં તન્વી દિલીપભાઈ ભાદાણી(ઉં.વ.22) પરિવાર સાથે રહેતી હતી. તન્વી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો, જે અંગે તેનો પરિવાર પણ જાણતો હતો. દરમિયાન ગત રોજ નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયાં હતાં.
યુવતીનો પ્રેમી પંકજ ગોહિલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું કહી રહ્યો છે. પંકજ ગોહિલ સાથે હોટલમાં નવા વર્ષની ઉજવણી કર્યા બાદ આજે સવારે ઊંઘમાંથી નહિ જાગતાં પરિવારને જાણ કરી 108માં સિવિલ લઈ આવ્યાં હતાં, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. તન્વી અને પંકજે હોટલ ઓયોના ચોથા માળે 410 નંબરના રૂમમાં રાત્રિ રોકાણ કર્યું હતું.
મૃતક તન્વીના પિતા દિલીપભાઈ ભાદાણી ડાયમંડ પાર્ટ્સની દુકાન ચલાવે છે. તન્વી પરિવારની એકની એક દીકરી હતી. તન્વી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી, જેથી તે હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીના રહસ્યમય મોતને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જોકે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.