rajkaran SuratDarpan ગુજરાત સુરત

સુરતમાં 776 ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા

સુરત: સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) માટે ભરવામાં આવેલા ઉમેદવારીપત્રોની ચકાસણીની મહત્વની કામગીરી આજે સંપન્ન થઇ હતી. સત્તાવાર વિગતો મુજબ, મોડી સાંજે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે રાજકીય પક્ષોના ડમી ઉમેદવારો સહિત કુલ 776 ઉમેદવારોના ફોર્મ રદબાતલ થયા હતાં. જ્યારે 505 ઉમેદવારોના (Candidate) ઉમેદવારીપત્રકોને મંજૂર રાખવામાં આવ્યાં છે. હવે આવતીકાલે તારીખ 9મી ફેબ્રુઆરીએ બપોરે ત્રણ વાગ્યા સુધીની ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અવધિ બાદ ચૂંટણી જંગનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે.

આજે સવારે સાડા દસ વાગ્યે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે નિમાયેલા 15 રિટર્નિંગ ઓફિસરોની કચેરી પર ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયા જાહેરમાં હાથ ધરવામાં આવી હતી. અપક્ષો અન્ય તેમજ મુખ્ય રાજકીયપક્ષો સહિતના દરેક ઉમેદવારોની હાજરીમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન રિટર્નિંગ ઓફિસરોએ દરેક ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરી હતી. આ કામગીરી બપોરે ત્રણ કલાકે આટોપાઇ હતી. જેમાં 120 બેઠકો માટે 505 ઉમેદવારીપત્રો મંજૂર કરાયા હતાં. જેમાં કોંગ્રેસના 120, ભાજપાના 120, આપના 115 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતાં. આ સિવાય અપક્ષો તેમજ અન્ય પક્ષોના પણ ઉમેદવારીપત્રો ગ્રાહ્ય રાખવામાં આવ્યાં છે.

આજે ઉમેદવારીપત્રોની ચકાસણની કામગીરીમાં જુદા જુદા ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ જુદા જુદા વોર્ડમાં રજૂ કરવામાં આવેલા વાંધાઓ બાબતે પણ અલગથી હિયરિંગ રાખવામાં આવ્યા હતાં. ઉમેદવારી રદ કરાવવા અનેક વાંધાઓ રજૂ થયા પણ પુરાવાના અભાવે મોટા ભાગના વાંધા ઉડાવી દેવામાં આવ્યા હતા. જયારે આજે ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયામાં સુડા ભવન સ્થિત રિટર્નિંગ ઓફિસરની કચેરીએ ભારે છબરડા કર્યા હતાં. સાવ કંગાળ કામગીરીને કારણે અહીંના બે વોર્ડના ઉમેદવારોના ફોર્મ અંગે મોડી રાત સુધી કામગીરી ચાલુ રાખવી પડી હતી.

વોર્ડ નં. 2-3ના રિટર્નિંગ ઓફિસરની કચેરીમાં ગેરવ્યવસ્થાની ભરમાર રહી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 2: અમરોલી-મોટાવરાછા-કઠોર તેમજ વોર્ડ નં.3: વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા આ બંને વોર્ડના રિટર્નિંગ ઓફિસર તરીકે અધિક કલેક્ટર, સુડા, જીબી મુંગલપુરાની નિયુક્તિ કરવામાં આવી છે. આજે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત બપોરે 3 વાગ્યા સુધીમાં દરેક ઉમેદવારોના ઉમેદવારીપત્રોની ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. પરંતુ, મળતી માહિતી મુજબ સુરતના બાકીના તમામ રિટર્નિંગ ઓફિસરોની કચેરીએ બપોરે 3ના ટકોરે ફોર્મ ચકાસણીની મહત્વની કામગીરી આટોપી દીધી હતી. જ્યારે સુડા ભવન ખાતે જીબી મુગલપુરાની ઓફિસમાં ધાંધિયા અને અવ્યવસ્થાની ભરમાર જોવા મળી હતી. ઉમેદવારો પણ તેમના ઉમેદવારીપત્રોની ચકાસણી કરવા માટે અટકાવવામાં આવ્યા હતાં.

Related posts

ગુજરાતી સિનેમાના સોનેરી ઇતિહાસના સાક્ષી એવા અભિનેતા અરવિંદ જોશીનું નિધન

Surat Darpan

અમદાવાદમાં બોપલ વિસ્તારમાં કોર્પોરેશનની ડ્રાઈવ, પાનમસાલાના ગલ્લા અને ચા ની કીટલીઓ બંધ

Surat Darpan

સુરતમાં એક સાથે 11 ડૉક્ટર્સ કોરોનાની ઝપેટમાં આવ્યાં, ભાજપના ધારાસભ્ય પણ પોઝિટિવ

Surat Darpan

Leave a Comment