ડભોલી સિંગણપોરના મહિલા ભાજપના ઉમેદવાર સામેનો વાંધો ગ્રાહ્ય ન રહ્યો
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.8 ડભોલી-સિંગણપોર ખાતે ભાજપાના સત્તાવાર ઉમેદવાર સુવર્ણાબેન જાદવ સામે કોંગ્રેસના ઉમેદવારોએ આજે એવો વાંધો ઉઠાવ્યો હતો કે, તેઓ સુરત મહાનગરપાલિકાની આંગણવાડીના સત્તાવાર કર્મચારી છે અને તેઓ ત્યાં 4 વર્ષથી ફરજ બજાવે છે, આ ફરજ પરથી રાજીનામું આપ્યા વગર જ સુવર્ણાબેને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી દીધી છે, આથી તેમનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવે તેવી માગણી કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ લેખિતમાં આપી હતી.
એક તબક્કે આપ અને કોંગ્રેસે દેખાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ, ચૂંટણી અધિકારીએ સુવર્ણાબેનનો ખુલાસો પૂછતા તેમણે રાજીનામું આપ્યું હોવાના કાગળો રજૂ કર્યા હતા. જેને પરિણામે ચૂંટણી અધિકારીએ સુવર્ણાબેનની ઉમેદવારી રદ કરવા સંદર્ભનો કોંગ્રેસ અને આપનો વાંધો ગ્રાહ્ય રાખ્યો ન હતો અને સુવર્ણાબેનની ઉમેદવારી યથાવત રાખી હતી.